Anand
4 December 2020
કપોત એટલે કબૂતર અથવા હોલો. કપોતાસન એ જાણે કોઈ કબૂતર પોતાની છાતી ફુલાવતું હોય એવું, અનાહત ચક્રને ખોલનારું અદ્ભુત આસન છે.
રીત:
- વજ્રાસનમાં બેસો.
- સુપ્ત વજ્રાસન કરો અને થોડીવાર રિલેક્સ થાવ અને શ્વાસ લો. બાહુઓ(આર્મ્સ) માથાથી ઉપર ખેંચો અને હાથ પર સહેજ પ્રેશર આપો અને હાથની મદદથી માથાનો ઉપલો ભાગ જમીનને સ્પર્શવાનો પ્રયાસ કરો.
- તમારા હાથની મદદથી ધીરે ધીરે પગના અંગૂઠાને હાથથી સ્પર્શ કરવા પ્રયાસ કરો.
- સામાન્ય શ્વસન સાથે આસન કરો અને અંતિમ મુદ્રામાં શ્વાસ લેવાનું ચાલુ રાખો.
- થોડીક વાર સુધી આસન ધારણ કરી રાખવાનો આનંદ માણો.
- જ્યારે પાછા આવવું હોય તો હાથની મદદથી ધીમે ધીમે પાછા આવો.
- વજ્રાસન કે શવાસનમાં વિરામ લો.
ફાયદાઃ
- આખીય સ્પાઇન માટે આ સરસ તાણ આપે તેવું આસન છે.
- પાછળની તરફ ઝૂકવાથી તમામ ચક્રોનાં બેલેન્સમાં મદદ મળે છે.
- આખોય પેલ્વિક ભાગ તણાય છે અને જેનિટલ અંગો સ્વસ્થ રહે છે.
- એનાથી છાતી, ખભા અને ડાયાફ્રામ સરસ રીતે ખુલે છે.
- આ આસન સ્પાઇનની ઇલાસ્ટિસિટી પાછી લાવે છે અને એબડોમિનલ ઓર્ગન્સને ટોન કરે છે.
સાવચેતી:
- સ્પાઇનને ઓવરસ્ટ્રેચ ન કરવી, નહીં તો એનાથી ઇજા થઈ શકે.
- આખીય પ્રેક્ટિસ દરમિયાન શ્વાસ રોકવો નહીં. અંતિમ મુદ્રામાં પણ શ્વાસ લેવાનું ચાલુ રાખવું.
- જો તમારા પગના અંગૂઠા ન પકડી શકો તો કંઈ વાંધો નહીં, જેમ જેમ ફ્લેક્સિબિલિટી વધશે તેમ તેમ એ થતું જશે.
ટીચર્સ ટિપ્સઃ
- યોગશિક્ષિકા તરીકે હું સ્ટ્રોંગલી માનું છું કે જો તમે યોગ શીખવવા, લોકોને સાજા કરવા ઇચ્છતા હોવ તો તમારી શિક્ષક તરીકે પોતાની પ્રેક્ટિસ હોવી બહુ અગત્યની છે. જ્યારે મેં મારો સ્ટુડિયો ખોલ્યો, ત્યારે મેં ઘણા યોગશિક્ષકોની મુલાકાત કરી અને તેમને એક જ પ્રશ્ન પૂછ્યો કે તમે શું તમારી જાતે યોગની પ્રેક્ટિસ કરો છો? તમામ શિક્ષકોએ એક જ જવાબ આપ્યો કે હા, વીકએન્ડ પર અમને સમય મળ્યેથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ.
- બધા યોગશિક્ષકોની આ વાતથી મને દુઃખ થયું કે આટલા બધા યોગશિક્ષકો છે ખરા, પણ શું તેઓ એક બિઝનેસની માફક યોગ શીખવે છે ? તમે યોગને એક પ્રોફેશન તરીકે કેવી રીતે શીખવી શકો ? એ તો ઇશ્વર સાથે કનેક્ટ થવા માટે છે અને જ્યારે શીખવો છો ત્યારે તમારી પોતાની પ્રેક્ટિસ વિના તો ખોટું કનેક્શન કરો છો. મારી પાસે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જેઓ મારી પાસે ઘણી અન્ય તકલીફો સાથે આવે છે કે જે ખોટી પ્રેક્ટિસને કારણે વધી ગઈ હોય. એમણે ડૉક્ટર્સ, મેડિસીન્સ, ટ્રીટમેન્ટ્સ પાછળ ઘણો પૈસો ખર્ચ્યો હોય છતાં હજુ સાજા ન થયા હોય. કેવળ યોગની પ્રેક્ટિસ સાચી દિશામાં કરવાથી તેઓ કોઈ પણ મેડિસીન કે ડૉક્ટર વગર થોડાંક જ સેશન્સમાં સાજા થયા છે. એ કંઈ જાદુ નથી પણ યોગની સાચી દિશામાં પ્રેક્ટિસ કરવાથી થાય છે. હમણાંથી હું ઘણા માણસોને ક્લબમાં, બગીચાઓમાં અને કેટલીય બીજી જગ્યાઓમાં યોગ કરતાં જોઉં છું, પણ મારી વિનંતી છે કે તમે જો યોગની પ્રેક્ટિસ કરો તો જાતે યોગની નિયમિત પ્રેક્ટિસ કરનાર યોગશિક્ષક પાસે જ કરો જેથી એ તમને યોગ્ય રીતે ઓરા એનર્જી આપી શકે.