યોગમુદ્રાસન

પદ્માસનમાં બેસો. બંને પગની એડી નાભીની બંને બાજુ પેટને દબાવીને રાખવી. બંને હાથ પીઠ પાછળ લઈ જઈ ડાબા હાથ વડે જમણા હાથનું કાંડું પકડવું. હવે શ્વાસ બહાર કાઢતાં કાઢતાં કમરમાંથી આગળ વાંકા વળતા જવું, પણ એમ કરતાં પગ કે બઠક પરથી સહેજ પણ ઉંચા થવું નહીં. એટલે કે બેઠકથી જમીનને ચુસ્ત રીતે ચોંટેલા રહેવું. એ રીતે વાંકા વળીને લલાટ અને નાક જમીનને અડાડવાં. શરુઆતમાં ન અડે તો જેટલા વાંકા વળી શકાય તેટલા વળવું. ધીમે ધીમે મહાવરો વધતાં નાક અને કપાળ જમીનને અડકાડી શકાશે. પણ વધુ પડતું બળ કરીને પહેલા જ પ્રયત્ને અડકાડી દેવાની જીદ કરવી નહીં.

જેમનું પેટ લચી પડ્યું હોય, પેટના સ્નાયુઓ ઢીલા પડી ગયા હોય કે પેટ ઘણું વધી ગયું હોય એમણે વધુ ફાયદો મેળવવા હાથ પાછળ લઈ જવાને બદલે પગની એડીઓ ઉપર રાખીને આગળ નમી જમીનને નાક-કપાળ અડાડવાં. આથી પેડુના ભાગ પર વધારે દબાણ આવવાને લીધે પેટના સ્નાયુઓને વધુ કસરત મળશે. આ આસનમાં એકી સાથે લાંબો સમય રહેવા કરતાં એને વધુ વખત કરવાથી વધુ લાભ થાય છે.

આ આસનમાં પેટના સ્નાયુઓને કસરત મળતી હોવાથી કબજીયાત મટે છે. જઠરાગ્ની સતેજ થાય છે, આથી પાચનક્રીયામાં લાભ થાય છે. સ્વાદુપીંડ સક્રીય થવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે. બ્રહ્મચર્યપાલનમાં પણ એ સહાય કરે છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ