21 જૂનનો દિવસ

યોગનું મહત્ત્વ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યું છે. 21 જૂનનો દિવસ હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. યોગવિદ્યા એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તરફથી મનુષ્યજાતિને મળેલી એક અણમોલ ભેટ છે, જેને આજે દુનિયાના મોટા ભાગના દેશો અપનાવી ચૂક્યા છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓએ આર્ષદ્રષ્ટિથી પ્રાપ્ત કરેલી આ વિદ્યાને ઈ.સ. પૂર્વે ૨૦૦૦માં મહર્ષિ પતંજલિએ શાસ્ત્રીય રૂપ આપ્યું અને તેને આઠ પગથિયાંઓમાં વિભાજીત કરી, જેમાં આસન, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, સમાધિ વગેરેનો સમાવેશ છે. તેમણે પોતાના ગ્રંથ યોગસૂત્રમાં આ આઠ પગથિયાંઓનું વર્ણન કર્યું છે. તેથી આ યોગમાર્ગને અષ્ટાંગ યોગ કહે છે. આસનો એ અષ્ટાંગ યોગનું ત્રીજું પગથિયું છે.
યોગ એ કોઈ ધર્મ સાથે વણાયેલ નથી. યોગ એક સુવ્યવસ્થિત જીવન જીવવાની જીવનશૈલી છે અને તેનો હેતુ મનુષ્યની અમર્યાદિત શક્તિ અને ચેતનાનો વિકાસ સાધવાનો છે. યોગના અભ્યાસથી ધીરે ધીરે વ્યક્તિની ચેતનાનો વિકાસ થાય છે, જે અંતે આત્મસાક્ષાત્કાર તરફ દોરી જાય છ.
યોગના સાચા અભ્યાસથી વ્યક્તિ શારીરિક-માનસિક તંદુરસ્તી મેળવે છે અને આત્મિક અનુભવ દ્વારા પરમ શાંતિનો અનુભવ કરે છે. યોગની અલગ અલગ ક્રિયાઓમાં એવી તાકાત છે જેથી અમુક બિમારીઓ થતી નથી અથવા થઈ હોય તો તે દૂર થાય છે. આમ યોગ એ બિમારીઓ સામે એક કવચનું કામ કરે છે.
બાળકો માટે યોગનો અભ્યાસ ખૂબ લાભદાયી છે. યોગાસનો અને પ્રાણાયમના અભ્યાસથી બાળકોની માનસિક શક્તિમાં વધારો થાય છે અને સાથે સાથે શારીરિક લાભ પણ થાય છે. તેમની લવચિક્તા અને તાકાતમાં વધારો થાય છે. તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. તેથી અંગોની પુષ્ટિ થાય છે, તંદુરસ્તી વધે છે. યોગાભ્યાસથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. તેમની ગ્રહણશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિમાં વધારો થાય છે. યોગ અને યોગાસનોથી શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, પણ જો યોગાસનો ખોટી રીતે કરવામાં આવે તો શરીરને હાનિ પહોંચવાની પૂરી શક્યતા છે. માટે આસનો શીખતાં પહેલાં અગત્યની જાણકારી મેળવી લેવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને જેમને કરોડરજ્જુની તકલીફ હોય, હાઈ બીપી, શ્વાસ કે હ્વદયની તકલીફ હોય તેમણે અમુક જ આસનો કરવા અને તે પણ યોગનિષ્ણાતની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ જ કરવા.

સ્ત્રોત:નવગુજરાત સમય