સાઇડ બેન્ડિંગ વૃક્ષાસન

રીત:

  1. તાડાસનમાં ઊભા રહો.
  2. જમણો પગ ઢીંચણથી વાળીને જમણી એડી ડાબા પગના સાથળના મૂળને અડાડીને રાખો. બાકીનો પગ ડાબા સાથળ પર પગનો અંગૂઠો નીચે રહે તેમ ટેકવો.
  3. ડાબા પગ પર બેલેન્સ રાખીને બંને હાથ શાખાઓની માફક શરીરની આજુબાજ પ્રસારો. સારા બેલેન્સ સાથે બાજુમાં ઝૂકવા પ્રયત્ન કરો.
  4. શ્વાસ નોર્મલ રાખીને થોડી સેકંડો એમ જ સ્થિર રહો. જ્યારે આસન રિલિઝ કરવું હોય તો હાથ નીચે લાવો અને જમણો પગ સીધો કરો અને પાછા તાડાસનમાં ઊભા રહો.
  5. આસનને ફરીથી કરવા જમણા પગ પર ઊભા રહીને ડાબા પગને જમણા પર ટેકવીને એ જ રીતે નોર્મલ શ્વાસ સાથે કરો અને પાછા તાડાસનમાં આવો.
  6. સાઇડ બેન્ડિંગ વૃક્ષાસનમાં, તમે જ્યારે બાજુમાં ઝૂકતા હોવ ત્યારે બેલેન્સ રાખવું અગત્યનું છે. તમારા શરીરનું એ રિલેક્સેશન અને સ્વાતંત્ર્ય માણો. એવી કલ્પના કરો કે તમે એક પક્ષી છો અને તમારી પાંખો પ્રસરાવીને ઊંચે આકાશમાં વિહરી રહ્યા છો.

 

લાભઃ

  1. રિપ્રોડક્ટિવ ઓર્ગન્સને ટોન કરવા માટે સારું આસન છે.
  2. આખી પીઠ ઢીલી બને છે અને નર્વ્ઝ સ્ટિમ્યુલેટ થાય છે.
  3. તમામ મુવમેન્ટ્સની કમરના ભાગમાં સરસ અસર થાય છે.
  4. આ આસન એકાગ્રતા, બેલન્સ અને ધીરજમાં સુધારો લાવે છે.
  5. પગ, પિંડીના સ્નાયુઓની તાકાત વધે છે અને મજબૂત બને છે.

 

સાવચેતી:

  1. શરૂઆતમાં જો તમને બેલેન્સની ખાત્રી ન હોયતો દીવાલનો ટેકો લો અને પ્રેક્ટિસ કરો.
  2. જ્યારે તમે બાજુમાં ઝૂકતા હોવ ત્યારે ખાત્રી કરી લો કે તમારા પગમાં સારી સ્ટેબિલિટી છે.
  3. આસન અત્યંત ધીરજ સાથે કરો. મુદ્રા ઉતાવળથી ન કરો.

 

ટીચર્સ ટીપ્સઃ

જ્યારે તમે ઝાડ જુઓ છો તમને કેવી લાગણી થાય છે અને તમે શું વિચારો છો ? શું આવે છે મનમાં ? મારા મનમાં એની સુરેખતા, ટટ્ટારપણું, તાકાત કોતરાઈ જાય છે. ટોચથી લઈને મૂળિયાં સુધી પ્રસરેલી શાખાઓનું સંતુલન અદ્ભુત છે. મૂળિયાં જે પોષણ મેળવવા ઊંડે સુધી પ્રસરે છે. આ અંગે વિચારીએ તો મિસ્ટરીની લાગણી ઉદ્ભવે છે. મૂળિયાંથી પાણી આટલે ઊંચે કેવી રીતે આવતું હશે જે શાખાઓને ટોચ સુધી પોષે છે? હું જ્યારે આ આસનની પ્રેક્ટિસ કરું છું તો મારી જાતને પૂછું છું કે મારા મૂળિયાં જીવનમાં ક્યાં પ્રસર્યાં છે? પ્રાચીન ચાઇનીઝ લોકો માનતા કે ઇશ્વરનો આત્મા વૃક્ષમાં વસે છે, આમ વૃક્ષો તેમના માટે પવિત્ર હતાં. .

વૃક્ષો કેટલીક વાર બળતણ માટે લાકડાં મેળવવા, કેવળ માણસોની સુવિધા માટે કપાય છે. કેટલાંક લાકડાં ફર્નિચરમાં ફેરવાઇ જાય છે. કેટલાંક વૃક્ષો ઘર બાંધવા માટે પાટિયાં માટે કપાય છે. એ વૃક્ષોને પણ લાગણી, સંવેદનાઓ હોય છે અને જ્યારે આપણે તેમને કાપીએ છીએ ત્યારે તેમને પણ દુઃખ થાય છે. કલ્પના કરો કે કોઈ તમારા હાથપગ એક પછી એક કુહાડી વડે કાપે તો તમને કેવું લાગે? એવું જ દુઃખ તેમને પણ થાય છે. વૃક્ષોની એ નકારાત્મકતા, ઓરા મનુષ્યોની જિંદગીમાં પણ અસર કરે છે. કદાચ એટલે જ શહેરનું તાપમાન અત્યંત ગરમ થઈ જાય છે કેમ કે આપણે કુદરતની જોઈએ તેવી સંભાળ લેતા નથી. .