યોગનો અર્થ છે : યોગશ્ચિતવૃત્તિનિરોધઃ

એટલે કે યોગ મન અથવા ચિત્તની વૃત્તિઓ કે ઇચ્છાઓને નિયંત્રણમાં રાખે છે. યોગ એ ચેતનાનું વિજ્ઞાન છે. જે વ્યક્તિ ચેતનાના દૃષ્ટિકોણથી ઘટનાઓ, સમસ્યાઓ અને ઇચ્છાઓથી પ્રભાવિત છે એ ચોક્કસ પણે અથવા નિશ્ચિત રૂપે બિમાર જ કહેવાય.

આજના સમયમાં મોટાભાગની અથવા તો ૯૦% (ટકા) બિમારીઓ માનસિક હોય છે, જે તનાવ (સ્ટ્રેસ), અનિયમિત ખાન-પાન અને કુટેવોને લીધે જ થાય છે. અત્યારની આધુનિક અને નવા પ્રયોગો સાથે શોધાયેલી યોગ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે.

 

કેવી બિમારી માટે ઉપયોગી?

  • થાઈરોઈડ
  • આર્થરાઈટિસ
  • માઈગ્રેન
  • કેન્સર
  • વર્ટિગો
  • ડાયાબિટીસ
  • હાઈબ્લડ પ્રેશર
  • ડિપ્રેશન
  • ધૂમ્રપાન
  • ઓછી યાદશક્તિ
  • જાડાપણું (ઓબેસેટી)
  • અસ્થમા
  • નપુસકતા
  • હાઈડ્રોસિલ
  • પેટના રોગો
  • હૃદય રોગ
  • વેરીકોઝ વેન્સ
  • ચામડીના રોગો
  • પ્રેગનન્સી દરમિયાન અને પછી

થાઈરોઈડ : યોગમાં થાઈરોઈડગ્રંથિનો સંબંધ વિશુદ્ધિ ચક્ર સાથે સાંકળવામાં આવે છે. વિશુદ્ધિ ચક્ર થાઈરોઈડ ગ્રંથિના સ્થાન પર હોય છે. વિશુદ્ધિનો અર્થ એના નામ પરથી જ છે એટલે કે આંતરિક વિષને શુદ્ધ કરી એને અમૃતમાં પરિવર્તિત કરવું. જ્યારે વિશુદ્ધિ ચક્રના સંતુલનથી જ થાઈરોઈડ ગ્રંથી સંતુલિત થશે અને એના દ્વારા ચયાપચયની પ્રક્રિયાને નિયમિત બનાવશે. થાઈરોઈડ ગ્રંથિના અસંતુલનથી જ ખૂબ જાડાપણું કે પાતળાપણું, ચિડિયો સ્વભાવ અને આળસ જેવા લક્ષણો ઉત્પન્ન થાય છે. થાઈરોઈડનો રોગ સંપૂર્ણ અંતઃ સ્ત્રાવી પ્રક્રિયાના સૂક્ષ્મ સંતુલનને ખોરવી નાખે છે. એટલા માટે જ યોગના ઉપચારથી જ થાઈરોઈડની સંપૂર્ણ પરિસ્થિતિને સંતુલિત કરી શકાય છે.

 

યૌગિક ઉપચાર

સર્વાંગાસન : આ આસન થાઈરોઈડ ગ્રંથિના સંતુલન માટે ખૂબ જ સર્વસામાન્ય અને મહત્ત્વપૂર્ણ છે. સર્વાંગાસન થાઈરોઈડની કોઈ પણ પરિસ્થિતિમાં એટલે કે હાઈપર થાઈરોઈડ કે હાઈપો થાઈરોઈડ બંને માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે. સર્વાંગાસનમાં શ્વસન ક્રિયાને સામાન્ય ગતિમાં રાખીને ‘મ’ કારનો ઉચ્ચાર કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. બાદમાં એ જ સ્થિતિમાં ફરી હલાસન, પાશિની મુદ્રા અને પદ્મ સર્વાંગાસાનનો અભ્યાસ પણ લાભકારક છે. સર્વાંગાસન પછી મત્સયાસન કરવું યોગ્ય છે. ઉજ્જયી પ્રાણાયમની સાથે વિપરીત કર્ણી મુદ્રા કરવાથી પણ થાઈરોઈડમાં ખૂબ જ ફાયદો થાય છે. સાથે જ, પાછળ નમીને કરાતાં આસનોમાં સુપ્ત વજ્રાસન, કંધરાસન, ગ્રીવાસન, સિંહાસન અને સિંહગર્જનાસન પણ થાઈરોઈડ માટે એટલા જ મહત્ત્વના છે. પ્રાણાયામની વાત કરીએ તો ઉજ્જયી પ્રાણાયામ ખૂબ જ ફાયદાકારક છે. અન્ય પ્રાણાયામમાં નાડીશોધન અથવા અનુલોમ-વિલોમ, શિતલી, શીતકારી પ્રાણયામ પણ ઘણાં લાભદાયી છે.

આ ઉપરાંત પણ યોગનું સાચું મહત્ત્વ બીજી ક્રિયાઓ સાથે સંકળાયેલું છે. જેવી કે,

પ્રત્યાહાર : યોગનિંદ્રા, અજપાજપ (નાભીથી કંઠ વચ્ચેની ‘સોડ્‌મ’ મંત્ર સાથેની શ્વસનક્રિયા.

બંધ : જાલંધર બંધનો પ્રયોગ નાડીશોધન તથા ઉજ્જયી પ્રાણાયામ સાથે કરવો લાભદાયી છે.

યોગ અભ્યાસ એક કુશળ, જાણકાર અને અનુભવી યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ કરવો જોઈએ. યોગ શિક્ષક દરેક વ્યક્તિની શારીરિક સ્થિતિ અને રોગો અનુસાર એનો ઉપચાર કરવા સક્ષમ હોય છે. જેમ કે, સર્વાંગાસન હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગના દર્દીએ કરવું નહીં. સર્વાઈકલ સ્પોન્ડેલેલાઈટીસ અને ગ્રીરીવાસન કરવા જોઈએ નહીં.

 

સર્વાંગાસન કેવી રીતે કરવું ?

સૌ પ્રથમ, પીઠ તરફથી સીધા સૂવું, બંને હાથ કમર પાસે સીધા રાખવા, બંને પગ સાથે સીધા રાખવા. ત્યાર પછી, શ્વાસ ભરીને ધીરે ધીરે બંને પગને ઉપરની તરફ ઉઠાવો અને બંને હાથની મદદથી કમરને ઉપર તરફ ઉઠાવો, આખું શરીર પગથી પીઠ સુધી ઉપર તરફ ઊઠાવો અને માત્ર ખભા અને માથાને જમીન પર રાખો. આખા શરીરનું બેલેન્સ બનાવો. શ્વસન ક્રિયા સામાન્ય રહેશે. એક કે બે મિનિટ આસનમાં રહ્યા પછી શ્વાસ ભરીને ‘મ’કારનું પાંચ વાર ઉચ્ચારણ કર્યા પછી ધીરે ધીરે બંને પગ અને પીઠને જમીન પર સામાન્ય સ્થિતિમાં લાવો.

સ્ત્રોત: યોગાચાર્ય ભાસ્કર હિન્દુસ્તાની , ગુજરાત સમય , યોગ ઉપયોગ