આ આસનની અંતીમ સ્થીતીમાં શરીરનો આકાર હળ જેવો થતો હોવાથી એને હલાસન કહે છે.
પગ સાથે રાખી ચત્તા સુઈ જાઓ. હાથ શરીરની બાજુમાં ઉંધી હથેળી જમીન પર અને બંને પગ ભેગા સીધા ટટ્ટાર રાખવા. હવે ધીમે ધીમે બંને પગ ઉંચકી જમીન સાથે લગભગ ૩૦°નો ખુણો કરો. અહીં ૧૫ સેકન્ડ થોભો. હવે પગ વધુ ઉપર ઉઠાવતા જઈ ૬૦°નો ખુણો બનાવી ૧૫ સેકન્ડ થોભો.એ જ રીતે ૯૦°નો ખુણો કરીને ૧૫ સેકન્ડ પગને સ્થીર રાખો. હવે બને તેટલો શ્વાસ બહાર કાઢતા જઈ બંને પગ સીધા ટટ્ટાર ઘુંટણમાંથી વાળ્યા વીના માથા પર થઈને પાછળ લઈ જઈ પગના અંગુઠા જમીનને અડાડો. અંગુઠા જેટલા પાછળ લઈ જઈ શકાય તેટલા લઈ જવા. આ દરમીયાન બંને હાથ બાજુ પર જમીન પર હશે. હવે તમે ઈચ્છો તો એ બંને હાથને માથાની પાછળ હાથનાં આંગળાં ભીડીને રાખી શકો. આ સ્થીતીમાં ૧૫ સેકન્ડ રહીને જે રીતે પગ રોકાતાં રોકાતાં ઉપર લાવ્યા હતા તે રીતે વળતી સમયે પણ ૧૫-૧૫ સેકન્ડ રોકાતાં રોકાતાં પગને પાછા લઈ જવા અને ચત્તા સુવાની સ્થીતીમાં આવવું. આમ બે કે ત્રણ આવર્તન તમારી શક્તી, અનુકુળતા કે જરૂરિયાત મુજબ કરવાં.
જેમની કરોડ બરાબર સ્થીતીસ્થાપક ન હોય તેમને ઉપર મુજબ કરવામાં શરુઆતમાં કદાચ મુશ્કેલી રહે. વળી ઉપર લખેલા સમય સુધી દરેક સ્થીતીમાં ન રહી શકાય તો જેટલો સમય મુશ્કેલી વીના રહી શકો તેટલો સમય રહેવું. શરુઆતથી જ પુરેપુરી રીતે આસન સીદ્ધ કરવાનો આગ્રહ ન રાખવો, અને શરીર પર બળજબરી ન કરવી. અભ્યાસ કરતાં કરતાં ધીમે ધીમે સમય વધારી શકાય.
જેની કરોડ સખત થઈ ગઈ હોય કે જકડાઈ ગઈ હોય તેમણે આ આસન કરવામાં ઉતાવળ ન કરવી. એવા સંજોગોમાં પહેલાં થોડા દીવસો માત્ર ૩૦° સુધી પગ લાવવા, પછી ૬૦° અને એ રીતે ધીમે ધીમે આગળ વધવું. અને છેવટે પગના અંગુઠા માથા પર થઈ પાછળ જમીનને અડાડવાની કોશીશ કરવી.
આ આસનથી કરોડને ખુબ સારી કસરત મળે છે. વળી આસનની પુર્ણ સ્થીતીમાં હડપચીને છાતી સાથે દબાવી રાખવાથી થાઈરોઈડ ગ્રંથી પર એની વીધાયક અસર થાય છે. આ આસનનો પુરો લાભ મેળવવા માટે હડપચીને ગરદન સાથે યોગ્ય રીતે દબાવી રાખવી.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ